आए ठहरे और रवाना हो गए, ज़िंदगी क्या है, सफ़र की बात है।

નવરાત્રિ શક્તિપૂજન  માટે છે. શક્તિ એટલે એ જે સર્જન ને સંહાર બંને કરી શકે છે. જન્મ આપનાર શક્તિ એક જ હોય શકે , એટલે જ એ પૂજનીય છે. સ્ત્રી પોતે કેવી શક્તિ છે એ વાતથી એ પોતે જ અજાણ છે , બાકી શક્ય છે પુરુષપ્રધાન સમાજનું નિર્માણ થાય ને જેને જન્મ આપ્યો હોય તે જ અવહેલના કરે?


એવી મંજૂરી કોણ આપે છે ? દિલ ? દિમાગ ? કે પછી સંજોગો ? 
જેને ભાગ્ય કહેવાય છે એવું કઈંક ? વાત માત્ર સ્ત્રીની , શક્તિની નથી. વાત છે ઈચ્છાશક્તિની પણ , સ્ત્રી હોય કે પુરુષ સૌથી મોટું પરિબળ છે અંતરમન .


આજની વાત છે શ્રેયા પટેલની  .
શ્રેયાબેન પહોંચ્યા છે સિત્તેરની નજીક પણ જુઓ તો લાગે કે પચાસીમાં છે. એકદમ અપટુડેટ કપડાં અને એક ઘડી નવરાં  ન બેસવાની ટેવને કારણે એ હજી યુવાનોને શરમાવે એવી સ્ફૂર્તિથી કામ કરી શકે છે. મેડિકલ પ્રોબ્લેમ કોઈ નહીં , નાણાકીય સમસ્યા કોઈ નહીં, કુટુંબની લપ્પનછપ્પન જરા ય નહીં પણ છેલ્લાં થોડાં વર્ષથી કોઈક અજબ અજંપો એમને જંપવા નથી દેતો  . અકારણે રડવું આવ્યા જ કરે. રાતોની રાતો આંખ મટકું ન મારે  આ સિવાય બીજી કોઈ ફરિયાદ પણ નથી.

શ્રેયાબેનની ઉંમરની સખીઓ કહે છે કે આ સુખના ચાળા કહેવાય , બસ કર હવે !!
આ સખીઓ પાછી બે પાંચ દિવસે મળતી નહીં , દૂર બેસીને સ્કાઇપ પર વાત કરતી  . 
હા, શ્રેયાબેન અમેરિકાવાસી છે. આ તો થયું એમનું વર્તમાન બેકગ્રાઉન્ડ. એનાથી કોઈને જડનો તાગ ક્યાંથી મળે ?

જાતકમાઈની ફાઈવ બેડરૂમ વિલામાં સાવ એકલા રહેતા શ્રેયાબેન અઠવાડિયામાં ત્રણેક દિવસ તો લાંઘણ ખેંચી નાખે , વીકએન્ડમાં દીકરો વહુ મળવા આવે કે પોતે એમને ત્યાં જાય ત્યારે બધું ગાયબ થઇ જાય. દીકરાને થયું મા એકલી છે એટલે આમ થતું હશે , મોટી પોસ્ટ પર નોકરી કરતો દીકરો માને પોતાને ઘરે લઇ ગયો , બેચાર દિવસ ઠીક વીત્યા ફરી એ જ  શરુ.

કાઉન્સિલિંગ પછી લાગ્યું કે મા ઇન્ડિયામાં રહેતા દીકરાને ત્યાં જશે તો ફર્ક પડશે પણ એ જ સ્ટોરી  . 

શ્રેયાબેનને અંદરોઅંદર કશુંક કોરી રહ્યું છે એનો ખ્યાલ એમને પોતાને આવે છે ખરો પણ અન્ય માટે એ એક પ્રશ્ન છે.

શ્રેયાની ઉંમર હતી માંડ અઢાર વર્ષની , મુંબઈની ખ્યાતનામ કોલેજમાં ભણતાં ત્યારે મૂરતિયા જોવાની શરૂઆત થઇ ચૂકેલી  . 
પિતા મોટા બિઝનેસમેન , ભાઈ એન્જીન્યરીંગ ભણતો હતો, માબાપને બે જ સ્વપ્ન હતા, એક દીકરો અમેરિકા સેટલ થાય ને શ્રેયા સારે ઠેકાણે પરણી જાય.  દાયકાઓ પહેલાનું મુંબઈ , આજના કોઈ ગામ જેવું જ, એમાં પણ જ્ઞાતિનું મહત્વ બહુ ભારે . જૈન છોકરી પટેલમાં ન પરણી શકે , વાણિયાનો દીકરો અન્ય જ્ઞાતિની છોકરી ન લાવે  .
શ્રેયાનું કુટુંબ પટેલ  . આપવાલેવાનું ભારે , એથી ભારે માબાપની નજર. 
ચડતું લોહી હોય ને શું ન થાય ? 

પટેલ કુટુંબની પાડોશમાં નવું કોઈ રહેવા આવ્યું. ગોરો ચિટ્ટો , ઊંચો  છોકરો , શ્રેયા ભણતી હતી તે જ કોલેજમાં એડમિશન  લીધું હતું. ગુજરાતના કોઈક જમીનદારનો છોકરો , બાપે ફ્લેટ હાયર કરીને છોકરાને ભણવા મોકલેલો  .
પોતાના ગામમાં કુટુંબનો કે જમીનદારીનો વટ હશે કે જે હોય તે પણ છોકરા અમરીશના માથામાં ધુમાડો ભારે . વાત કરવામાં કોઈ  વિવેક નહીં, મોટાં નાનાંનો ઉમ્મરભેદ નહીં  . જીભ કાતર જેવી . સિગરેટ પીને ઠૂંઠા સીધા ફગાવે, જે બિલ્ડિંગના કંપાઉન્ડમાં પડે , આ વાત પર શ્રેયાના પિતા સાથે  બોલચાલ થઇ ગઈ.  કોઈ ઉંમરની શરમ નહીં, વાત એટલી વણસી કે એકમેક સામે એકમાત્ર સ્મિત આપવાનો વ્યવહાર હતો તે પણ તૂટી ગયો.!
 
એમ કહેવાય પહેલો સગો પાડોશી , પણ આ બે પાડોશી વચ્ચે તો લાઠીએ માર્યા વેર. કોઈ એકબીજાની સામે ન જુએ.એવામાં શ્રેયાના ભાઈ કુમારની નોકરી પાકી થઇ અમેરિકામાં , સહુ ખુશખુશાલ. માબાપે આખા બિલ્ડિંગમાં , સગાવ્હાલા મિત્રોને મીઠાઈ વહેંચી, એક ઘર સિવાય, હા, અમરીશને ત્યાં નહીં. આ પંચાવન વર્ષ પહેલાની વાત છે એટલે માહોલ અંદાજી શકાય. કુમાર ગયો અમેરિકા ને હવે તૈયારી શ્રેયાની, બીકોમ થઇ ગઈ હતી, એ જમાનામાં દીકરીને આટલું ભણાવનાર પિતા ને કોઈ મુરતિયો પસંદ જ ન આવે. કોઈ દેખાવમાં નબળો હોય , કોઈકનું ભણતર ઓછું હોય , કોઈ સાથે જન્માક્ષર ન મળે ને બાકી હોય તેમ આર્થિકરીતે સધ્ધર ન હોય. 

પહેલા તોરમાં ના ભણનાર માબાપને હવે ચિંતા થવા લાગી  . પટેલસાહેબને તો અતિશય  . એ ચિંતામાં ને ચિંતામાં એટેક આવ્યો. સમર વેકેશનનો સમય,  ઘણાં બધાં વેકેશનને કારણે બહારગામ ગયેલા ને અચાનક રાતે કટોકટી ઉભી થઇ. શ્રેયા એકલે હાથે પરિસ્થિતિ મેનેજ કરવા મથી  રહી હતી ને ડોરબેલ વાગી , સામે અમરીશ ઉભેલો. 

ખરે સમયે મદદ કરે તે ખરો મિત્ર , પટેલસાહેબને ગમ્યું તો નહીં પણ ચલાવી  લીધું  . પહેલા વિવેકપૂર્ણ વાત પછી કોઈક ખાવાપીવાની ચીજોની ભેટ , ક્યારે અમરિશની અવરજવર વધી ગઈ ખ્યાલ જ ન આવ્યો  .
ખ્યાલ આવ્યો ત્યારે મોડું થઇ ચૂક્યું હતું  . શ્રેયા રઢ પકડીને બેઠી કે લગ્ન તો અમરીશ સાથે જ કરીશ  .પટેલ સાહેબ તો સડાક  . જેટલી દીકરી વ્હાલી એટલી જ વ્હાલી પોતાની ઈજ્જત, અને સૌથી વધુ ચિંતા દહેશતની. ખબર નહીં પણ આ કશુંક ખોટું થઇ રહ્યું છે એવો અવાજ અંદરથી ઉઠ્યા જ કરતો હતો. શ્રેયાને ખૂબ સમજાવી , ન્યાત જાત માટે નહીં પણ અમરિશના સ્વભાવ માટે  .આ જે દેખાય  છે તે એ  છે નહીં  . લગ્ન તો હરગીઝ નહીં કરવા દઉં .

હવે મુરતિયા જોવાતા હતા યુદ્ધના ધોરણે , અમેરિકાથી ભાઈ કહેતો કે હું સેટલ થઇ ગયો છું શ્રેયાને અહીં જ મોકલી દો બાકી બધું થઇ રહેશે  . 

ફિલ્મી સ્ટોરીમાં થાય છે એમ શ્રેયા માથે રાત ઓઢીને ભાગી અમરીશ જોડે, મંદિરમાં લગ્ન કરી ને ગુજરાતમાં ગામ ભેગાં. પહોંચ્યા પછી રડતાં રડતા આશીર્વાદ માંગતો  ટ્રન્ક કોલ કર્યો  . 
પટેલ સાહેબને એટેક ન આવ્યો કારણ કે મનમાં આશંકા તો હતી જ, એ જ થયું જેનો ડર હતો , પણ રોષ આસમાને હતો.
' હવે તું ગઈ જ છે તો સુખી રહેજે , પણ  જયારે હું નહીં હોઉં ત્યારે તને આ બાપના શબ્દ યાદ આવશે કે , આ માણસ મને દુઃખી કરવા તને પરણ્યો છે. આ નિર્ણય તારો  હતો એટલે હવે જે થાય તે પણ તું જ ભોગવજે કારણ કે અમારે માટે તું દીકરી રહી જ નથી. ' પટેલસાહેબે તો શ્રેયાની માને પણ ફોન ન આપ્યો  .

લગ્નની રાતે જ આ કેવી ભેટ ? શ્રેયાએ સજળ આંખે અમરિશને પૂછ્યું હતું  .

'ભેટ તો હજી મળવાની બાકી છે ને !!' અમરીશે હસીને કહ્યું ને શ્રેયાના ગાલ પર ચમચમતો તમાચો પડ્યો  .

આભી થઇ ગઈ  શ્રેયા  . પપ્પાના બોલ પથ્થરની લકીરની જેમ  થઈને ગાલ પર સોળ થઈને ઊપસ્યા હતા.
રોજ બેસુમાર ઢોરમાર મારતો પતિ  ને રાતે પ્રેમી અમરીશ , પહેલું બાળક પેટમાં હતું ને છતાં જે માર મારતો એ તો અમરિશના માબાપથી પણ નહોતો જોવાતો , આખરે અમરિશના માબાપ મુંબઈ આવી શ્રેયાને મૂકી ગયા. માંસ હાડકા પર ચોંટી ગયું હોય એવી સુકલકડી કાયા ને પેટમાં બાળક  . છતાંય માબાપે સ્વીકારી લીધી દીકરીને , શરત એટલી કે ફરી એ દિશા તરફ નહીં જોવાનું  . શ્રેયાએ રડતાં રડતાં પિતાની શરત માન્ય રાખવી પડી . પણ , ફરી એ જ પ્રકરણ  .પુત્ર જન્મ્યો એટલે અમરીશ એના માબાપ સાથે આવી પહોંચ્યો. ફરી એ જ માફી , એ જ રોકકળ , એ જ વચનો , એ જ જૂઠાણાં  . વધુમાં વચમાં પડ્યા અમરિશના માબાપ, છોકરાઓ ભૂલ કરે તો સુધારવાનો મોકો આપવો જોઈએ ને  ... એવું બધું   . શ્રેયાના ખોળામાં એક બાજુ નવજાત શિશુ ને બીજી તરફ આ.

તે વખતે તો શ્રેયાની  માએ વાત સાચવી લીધી , બાળક ત્રણ મહિનાનું થાય ત્યાં સુધી તો વળાવવાની વાત જ નહોતી , ત્રણ મહિના કદાચ શ્રેયાની જિંદગીમાં સપના જેવા વીત્યા . અમરિશની સાચે ભૂલ થઇ હશે, આખરે દારૂનું નામ તો સૌથી બદનામ છે. જે માણસ પોતાના માબાપ ને ઇષ્ટદેવને સ્પર્શીને દારૂને હાથ ન લગાડવાની પ્રતિજ્ઞા કરે એ ખોટો કઈ રીતે હોય ?
એ જ થયું જે પટેલ સાહેબને ડરાવતું હતું  . શ્રેયાને ફરી જવું હતું સાસરે. એક વધુ મોકો લગ્નજીવનને આપવો હતો. અમરિશને આપવો હતો.

સાસરે ગયેલી શ્રેયાના છ મહિના વિના તકલીફે પસાર થયા , હવે તો અમરીશ દારૂ પણ નહોતો પીતો ને વર્તન પણ સલૂકાઇથી કરતો  . 
ને ફરી એકવાર બિહામણી રાત આવી ગઈ , અમરીશ પર ભૂત સવાર થઇ ગયું , તારા ડોસાએ મને સહુની સામે ખખડાવી નાખેલો  ....ને લાકડી લઈને પીટાઈ શરુ  . 
સાસુસસરા બહારગામ ગયેલા ને જે શરૂ થયું , દારૂ નહોતો પીતો એટલે એક વાત સ્પષ્ટ થઇ ગઈ કે આ દારૂ નહીં વૈમનસ્ય  હતું , જેને માટે શ્રેયા જોડે લગ્ન કર્યા હતા. પટેલસાહેબ પર વેર લેવાનો આથી બહેતરીન રસ્તો શું હોય શકે ?

શ્રેયા જેમતેમ ભાગી , છ મહિનાનો દીકરાને લેવા પણ ન રોકાઈ.
જેમતેમ ઘરે પહોંચી ત્યારે એના હાલ જોઈને માબાપ ઝાટકો ખાઈ ગયા. પટેલસાહેબ સન્ન થઇ ગયા. અમરિશનો ન કોઈ ફોન આવ્યો ન એના માબાપ , પણ હવે દીકરાની ચિંતા કરવા પહેલા બીજી ચિંતા આવી પડી. શ્રેયા ફરી પ્રેગનેન્ટ  હતી.  કદાચ અમરીશ ને એનું કુટુંબ માનતું હશે  કે હવે જઈને જશે ક્યાં?

ખરેખર વાત ભારે ગૂંચવાઈ ચૂકી હતી. અમરીશ ન ડિવોર્સ આપવા તૈયાર હતો ન બાળકને સોંપવા. એને હજી એ ખબર નહોતી કે શ્રેયા ફરીવાર મા બનાવાની છે  . તંગ વાતાવરણની ધાર વધુ ન જીરવી શકતા હોય તેમ પટેલ સાહેબને મેસિવ એટેક આવ્યો ને કાયમ માટે આંખ મીંચી દીધી  .
પતિના નિધન માટે જવાબદાર શ્રેયાને લેખાઈ અને માએ  મૌનવ્રત લઇ લીધું . નોધારા હોવું એટલે શું એ શ્રેયાની સ્થિતિ જોયા પછી સમજાય.
એક તરફ હતું છ મહિનાનું બાળક , જે મા વિના ઉછરી રહ્યું હતું , બીજી તરફ હતું ગર્ભસ્થ શિશુ એને પિતાના નામની જરૂર હતી. પણ દિમાગમાં અમરિશના નામ સાથે લાલ લાઈટ ઝબૂકતી હતી ખતરાની  . હવે સાસુ સસરાની મધ્યસ્થી પર હવે વિશ્વાસ નહોતો  . 


પ્રશ્ન હતો, ફેંસલો દિલથી લેવો કે  દિમાગથી ?


ક્યાંક કોઈ આશાનું કિરણ હોય તો એ હતો કુમાર, શ્રેયાનો ભાઈ. સુશિક્ષિત ભાઈએ બેનની વ્યથા સમજી  શકતો હતો . પાસે કોઈ વિકલ્પ તો હતા નહીં , પોતાની પાસે અમેરિકા બોલાવી  લેવા એ જ એક માત્ર વિકલ્પ ને પછી શરુ થઇ એક સંઘર્ષકથા. 

બાળકને જન્મ આપવાથી લઈ અમેરિકા પહોંચવાની , ત્યાં ભાઈભાભી પર નિર્ભર રહીને પોતાના પગ પર ઉભા થવાની , ડિપાર્ટમેન્ટલ સ્ટોરમાં કલાકો નોકરી કર્યા  પછી ઘરકામ ને બાળકને ભણાવવાની  . એક અને માત્ર એક ધ્યેય બાળકને સારામાં સારું ભણતર આપવું. આખી જિંદગી પરવશતામાં ગઈ છે , ઉત્તરાર્ધ એવો ન જાય. 
અને શ્રેયાની પ્રાથર્ના ફળી છે. આજે એનો દીકરો અમેરિકામાં નામાંકિત ગણાય તેવી કંપનીનો સીઈઓ છે. 

અને જે પાછળ છૂટી ગયો તે ? પહેલો દીકરો ?
પહેલો દીકરો જે પિતા પાસે ઉછર્યો છે તે ડોક્ટર છે. આજે પણ ગુજરાતમાં જ રહે છે. 
અમરીશે પાછલી જિંદગીમાં પોતાની ભૂલ સમજાઈ હોય કે ગમે તેમ પણ શ્રેયાને મળવા ખૂબ પ્રયત્ન કર્યા હતા પણ શ્રેયા કદી ન માની  . પિતાને ગુમાવવાનું દુઃખ, બાળકને છોડીને ભાગી જવા માટેની ગુનાહિત લાગણી , ભાઈભાભીની રહેમનજરમાંથી ઉતરી  જવાનો ડર કે માતા ફરી મૌનવ્રત લઇ કે તેની દહેશત  .... શ્રેયા કદી ન મળી અમરિશને , ન એની એક વાત સાંભળી , ન મળી એના દીકરાને જ્યાં સુધી અમરીશ જીવિત હતો. ન શ્રેયા એ બીજા લગ્ન  માટે વિચાર્યું ન અમરીશે  .

થોડા વર્ષ પહેલા અમરીશે દુનિયામાંથી વિદાય લીધી , એ પછી મા દીકરાનું મિલન થયું , છ મહિને છોડી દીધેલા દીકરાને શ્રેયા  મળી ત્યારે ડોક્ટર દીકરાની ઉંમર હતી પિસ્તાલીસ વર્ષની  .

આજે શ્રેયાના બંને દીકરા એકદમ વેલસેટ છે.  અમેરિકામાં મામાની મદદથી ભણેલા દીકરાએ તો મામાના નામે ઘણી સખાવતો પણ કરી છે. શ્રેયાને દુઃખ તો કોઈ નથી પણ ઊંડે ઊંડે  એક રંજ ધારદાર પથ્થરની જેમ ચૂભી જાય છે. : પોતે અમરિશને ક્યારેય નહીં મળવાનો ફેંસલો લીધો તે યોગ્ય હતો ? 

દુન્યવી દ્રષ્ટિએ આજે શ્રેયા પાસે દુઃખી થવાનું કોઈ કારણ નથી , પણ આજે પણ આખી જિંદગી એકાકી રહીને   ગાળવી પડી એ માટે દિલ જવાબદાર છે કે દિમાગથી લીધેલા ફેંસલા એ શ્રેયાને હજી સમજાતું નથી.
आए ठहरे और रवाना हो गए, ज़िंदगी क्या है, सफ़र की बात है।



ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Ladies Special

કભી આંસુ , કભી હંસી .....

આવજો સોનલબેન ...